ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં ગઇકાલે બીજા તબક્કાની તમામ બેઠકો પર સરેરાશ ૬૨ % જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં ૯૩ બેઠકો પર ૮૩૩ ઉમેદવારનું ભાવિ EVM માં કેદ થયું હતું. જેમાં સૌથી વધારે ૬૮ ટકા મતદાન સાબરકાંઠા અને સૌથી ઓછું અંદાજે ૫૭ % મતદાન દાહોદમાં નોંધાયું હતું. ત્યારે હવે મતદાન પૂર્ણ થયા બાદ સતત એગ્ઝિટ પોલ ના તારણો સામે આવી રહ્યાં છે. સર્વે સામે આવી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રની ૫૪ બેઠકો પર ભાજપ મેદાન મારશે તેવું દેખાઇ રહ્યું છે.
એગ્ઝિટ પોલમાં ભાજપને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ બેઠક મળવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ભાજપને ૨૮ બેઠક, કોંગ્રેસને ૨૦ બેઠક તો આમ આદમી પાર્ટી ને સૌરાષ્ટ્રમાં માત્ર ૫ બેઠક જ મળશે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્યારે અન્યને સૌરાષ્ટ્રમાં ૧ બેઠક મળવાનું અનુમાન છે. દેવભૂમિ દ્વારકાની જો વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને એક – એક બેઠક જીતે તેવું અનુમાન છે. પરંતુ આમ આદમી પાર્ટી નું તો અહીંથી જ ખાતું જ નહીં ખૂલી શકે તેવું લાગી રહ્યું છે. ત્યારે ઇસુદાન ગઢવી પણ દ્રારકાની ખંભાળિયા બેઠક પરથી હારે તેવી શક્યતા એગ્ઝિટ પોલ ના આંકડાઓના કારણે દેખાઇ રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં ભાજપ – કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટી એ પણ પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમજ ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ હરીફાઈ જોવા મળતી હતી. પરંતુ આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવી પ્રચંડ જીતનો દાવો કર્યો હતો. આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં અનેક રેલીઓ યોજી હતી. તેમજ લોકોને મફત વીજળી અને મફત શિક્ષણ જેવા અનેક વચનો આપ્યા હતા. તેમ છતાં સૌરાષ્ટ્ર પરથી લાગે છે આ વખતે આમ આદમી પાર્ટીના ભાજપ – કોંગ્રેસ સામે પાટીયા પડી જશે. એટલે કે સૌરાષ્ટ્રમાં ઇસુદાન ગઢવી જેવો દિગ્ગજ સીએમ ચહેરો ઊભો રાખ્યો હોવા છતાં સૌરાષ્ટ્રમાં AAP બાજી નહીં મારી શકે. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીએ સીએમ ચહેરા તરીકે સૌરાષ્ટ્રની દેવભૂમિ દ્રારકાની ખંભાળિયા બેઠક પરથી ઇસુદાન ગઢવીને ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરા સામે ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે વિક્રમ માડમને મેદાનમાં ઉતાર્યા હતા.