પીએમ મોદી પર વોટિંગના દિવસે જ રોડ શોનો આરોપ

ગુજરાતમાં લોકશાહીનો પર્વ રંગે ચંગે ઉજવાઇ ગયો છે અને તમામ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. આ વખતે ત્રણ પાર્ટીઓ દ્વારા ધૂમ પ્રચાર બાદ પણ ત્રિશંકુ લડાઈ દેખાઈ નથી રહી. તમામ એજન્સીઓના સર્વેમાં ગુજરાતમાં એક તરફી ચૂંટણી થઈ હોવાનું સામે આવી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ટક્કરમાં કોઈ પાર્ટી દેખાઈ રહી નથી. જોકે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગુજરાતમાં ગઇકાલે બીજા તબક્કા માટે કુલ ૯૩ બેઠકો પર મતદાન થયું હતું જેમાં પીએમ મોદીએ રાણીપની એક શાળામાં વોટ આપ્યો. જોકે પીએમ મોદી વોટ આપવા જાય તે પહેલા જ પોલિંગ બૂથની આગળ હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ હતી. પીએમ મોદી પોલિંગ બૂથથી થોડે દૂર ગાડીમાંથી ઉતરી ગયા અને ચાલતા ચાલતા વોટ આપવા પહોંચ્યા. રાણીપમાં હજારોની સંખ્યામાં ભીડને જોઈને વિપક્ષીઓ પાર્ટી લાલઘૂમ થઈ હતી અને ગઇકાલે આખો દિવસ પીએમ મોદી દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે તેવી ફરિયાદો કરવામાં આવી હતી.

કોંગ્રેસ પાર્ટીના લૉ સેલના અધ્યક્ષ યોગેશ રવાણીએ આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ આપી હતી અને આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીએ રોડ શો કર્યો છે. જે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, આ મામલે કોંગ્રેસની માંગ છે કે પીએમ મોદી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણી પંચે પણ આ ફરિયાદ નોંધી લીધી છે અને આશ્વાસન આપવામાં આવ્યું છે કે મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ફરિયાદના જવાબમાં ચૂંટણી પંચના અધિકારી કુલદીપ આર્યાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પીએમ મોદી સામે ફરિયાદ કરવામાં આવી હતી, અમે તાત્કાલિક સમગ્ર મામલે અમદાવાદના ઈલેક્શન ઓફિસરને રિપોર્ટ મોકલવા આદેશ આપ્યા હતા, રિપોર્ટ અનુસાર લાગતું નથી કે આ રોડ શો હતો, ત્યાં ભીડ આપો આપ જ ભેગી થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *