આવતીકાલે જાહેર થશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ, ચૂંટણી પંચે પૂર્ણ કરી તમામ તૈયારીઓ

ગુજરાતના તમામ જિલ્લાઓમાં કુલ ૩૭ જેટલા મતગણતરી કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોની બે તબક્કામાં યોજાયેલ ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે. આ તમામ EVMને ગુજરાતના તમામ જિલ્લાઓમાં તૈયાર કરાયેલા મત ગણતરી કેન્દ્રો પર સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. જેની મત ગણતરી આવતીકાલે સવારે હાથ ધરવામાં આવશે. જે માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કુલ ૩૭ જેટલા મતગણતરી કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં  સરકારી પોલીટેકનીક, એલ.ડી. એન્જિનીયરીંગ અને ગુજરાત કોલેજના કોમર્સ કોલેજના કેમ્પસમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યની ૨૧ વિધાનસભામાં થયેલા મતોની ગણતરી કરવામાં આવશે.  મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે  પેરામિલિટ્રી ફોર્સ સહિતના જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે.

 

મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ૮ ડિસેમ્બરે હાથ ધરાનાર મતગણતરીમાં આ વખતે પોસ્ટલ બેલેટ અને EVM ઉપરના મતોની મતગણતરી એકસાથે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ૬૩.૩૧ % મતદાન જયારે બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો માટે થયેલી ચૂંટણીમાં ૬૪.૩૯ % મતદાન નોંધાયું હતું.

મહેસાણા જિલ્લાની ૭ વિધાનસભા બેઠકોની મતગણતરી માટે કોલેજ ખાતે ૭ અલગ અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે, જયાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં મતગણતરી હાથ ધરાશે. મહીસાગર જિલ્લાની ૩ વિધાનસભા બેઠક માટે મતગણતરી લુણાવાડા ખાતે આવેલ પી.એન.પંડયા આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાશે. હાલ તો લુણાવાડા ખાતેની પી.એન.પંડયા કોલેજમાં સ્ટ્રોંગરુમ તૈયાર કરાયો છે જેમાં EVM રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *