રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠનું કુલપતિ પદ ગ્રહણ કર્યા બાદ સાદરા ગામ ખાતે આવેલાં પરિસરની મુલાકાત લીધી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાત વિદ્યાપીઠ વિદ્યાર્થીને વિષયના જ્ઞાન સાથે જીવનલક્ષી શિક્ષણથી સજ્જ બનાવે છે, ગ્રામ વિકાસના ધ્યેય સાથે વિદ્યાપીઠનું સમૂહજીવન વિદ્યાર્થીનું સાર્થક ઘડતર કરે છે.
તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, દૃઢ ઇચ્છાશક્તિ અને કર્મઠતા દ્વારા જ યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. મહાપુરુષોએ સંઘર્ષપૂર્ણ સામાન્ય જીંદગી જીવીને શ્રેષ્ઠ કર્મ દ્વારા સફળતા હાંસલ કરી છે, માટે મહાપુરુષોના જીવનવૃત્તને અચૂક વાંચવા જોઈએ. આ ઉપરાંત રાજયપાલ આચાર્ય દેવવ્રતે બાયોગેસ રીસર્ચ સેન્ટર અને માઈક્રોબાયોલોજી વિભાગ, મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ અને શારીરિક શિક્ષણ વિભાગનું અવલોકન કર્યું હતું અને પુસ્તકાલય તથા ગૌ-શાળાની પણ મુલાકાત લીધી હતી