૬ ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં સંસદભવનમાં સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી.
સંસદના શિયાળુ સત્રનો આજથી આરંભ થશે. ૬ ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં સંસદભવનમાં સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલ અને વી. મુરલીધરન આ બેઠકમાં હાજર રહ્યા હતા.
બેઠકમાં કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી, એનસીપી સહિત અનેક રાજકીય પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, સરકાર સંસદમાં અધ્યક્ષ દ્વારા મંજૂર કરાયેલા કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ શિયાળુ સત્ર દરમિયાન વિવિધ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવા સરકારને વિનંતી કરી છે. તેમણે બેરોજગારી, મોંઘવારી, ભારત-ચીન સરહદ પરની સ્થિતિ અને ખેડૂતો માટે એમએસપી જેવા મુદ્દાઓ પર ચર્ચા પર ભાર મુક્યો છે.