ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ દરેકની નજર સુરતની મજૂરા વિધાનસભા બેઠકના ચૂંટણીના પરિણામ પર હતી. કારણ કે આ બેઠક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચૂંટણી લડી રહ્યા હતા.
૨૦૦૮ નાં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી મજૂરા બેઠક એ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો મતવિસ્તાર હોવાથી આ બેઠકને હાઈ પ્રોફાઈલ માનવામાં આવતી હતી. આ બેઠક પર હર્ષ સંઘવીની સામે કોંગ્રેસે બળવંત જૈનને મેદાનમાં ઉતાર્યા હતા. તો આમ આદમી પાર્ટીએ PVS શર્માને ટિકિટ આપી હતી.
દક્ષિણ ગુજરાતમાં 1લી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. દક્ષિણ ગુજરાતમાં કુલ ૬૬.૬૨ % મતદાન નોંધાયું હતું. જેમાં મજૂરા બેઠક પર કુલ ૫૮.૦૭ મતદાન નોંધાયું હતું. મતદાનના આંકડાઓએ ભાજપ, કોંગ્રેસ અને આપની ચિંતામાં વધારો કર્યો હતો. ભાજપ અને આપે જે સીટો પર દમ લગાવ્યો ત્યાં ઓછું મતદાન થયું હતું. મજૂરા બેઠકની વાત કરીએ તો મજૂરા બેઠક પર પ્રથમ વખત ૨૦૧૨ માં ચૂંટણી યોજાઈ હતી. ત્યાર બાદ ૨૦૧૭ માં ચૂંટણી યોજાઈ હતી. બંને વખત આ બેઠક ભાજપનાં ફાળે ગઈ છે.
મજૂરા બેઠક પર મતદારોની સંખ્યા ૨.૪૫ લાખ જેટલી છે. આ વિસ્તારમાં જૈન મારવાડી અને મોઢ વણિક સમુદાયનું પ્રભુત્વ સૌથી વધારે છે. આ વિસ્તારને પોશ વિસ્તાર માનવામાં આવે છે. મોટાભાગને કાપડના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ આ વિસ્તારમાં જ રહે છે.