પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું કરશે ઉદ્વઘાટન

પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે ભાડજથી ઓગણજ  સર્કલ વચ્ચે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામીનગરની તૈયારીઓ પૂર્ણ થઇ છે. ત્યારે આજે ૧૪ મી ડિસેમ્બરના રોજ સાંજના ૦૫:૦૦ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંહત સ્વામીના હસ્તે પ્રમુખસ્વામીનગરને સત્તાવાર રીતે ખુલ્લુ મુકવામાં આવશે. એક મહિના સુધી ચાલનારો ઉત્સવ આગામી ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ઉજવાશે પ્રધાનમંત્રીના આગમનને લઈ પોલીસે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.

જેના બીજા દિવસે મુલાકાતીઓ સતત એક મહિના સુધી આવશે.  ૬૦૦ એકર જમીન પર તૈયાર કરાયેલા નગરમાં ભવ્ય પ્રવેશદ્વાર, અક્ષરધામની પ્રતિકૃતિ, બાળનગરી, ગ્લો ગાર્ડન અને વિવિધ થીમના પ્રદર્શન સૌ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સાથે-સાથે આ આયોજન થકી સામાજિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રને લગતી વિવિધ બાબતોને ઉજાગર કરવામાં આવશે.

પ્રમુખસ્વામી – નગરને વિશેષ બનાવવા માટે સાત ભવ્ય પ્રવેશ દ્વાર તૈયાર કરાયા છે. જેમાં મુખ્ય પ્રવેશ  દ્વારને સંત દ્વાર નામ આપવામાં આવ્યું છે. જેમાં ભારતના ૨૮ જેટલા મહાપુરૂષો અને સંતોની આઠ ફુટ ઊંચી પ્રતિમાઓ મૂકવામાં આવી છે. મુખ્યપ્રવેશ દ્વાર સામે પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફુટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમાને ૧૫ ફુટ ઊંચાઇ ધરાવતી પીઠિકા પર મુકવામાં આવી છે. તો તેની આસપાસ પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યા દર્શાવવામાં આવી છે.  જ્યારે બાળકો માટે બાળનગરી તૈયાર કરવામાં આવી છે. જેની ખાસિયત એ છે કે નગરીનું સંચાલન ૪૫૦૦થી વધુ બાળકો દ્વારા કરવામાં આવશે.

પ્રમુખ સ્વામી મહારાજ એક માર્ગદર્શક અને ગુરુ હતા. જેમણે ભારત અને દુનિયાભરના લોકોના જીવનને પ્રેરણા આપી હતી. તેઓને એક મહાન આધ્યાત્મિક ગુરુ તરીકે વ્યાપકપણે આદર અને પ્રશંસા મળી હતી. પ્રમુખસ્વામી મહારાજનું જીવન આધ્યાત્મિકતા અને માનવતાની સેવા માટે સમર્પિત હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *