ભારતની અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્રસંધ સુરક્ષા પરિષદમાં ઉચ્ચ સ્તરીય મંત્રી બેઠકની અધ્યક્ષતા કરતા વિદેશમંત્રી ડૉ.એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સુધારેલી બહુપક્ષીયવાદની નવી નીતિ પર સુરક્ષા પરિષદની ચર્ચા દરમિયાન તેમના સંબોધનમાં જયશંકર કહ્યું કે હવે આપણે સુધારાને આર્થિક સમૃદ્ધિ, તકનીકી ક્ષમતાઓ, રાજકીય પ્રભાવ અને વિકાસલક્ષી પ્રગતિના સંદર્ભમાં જોઈએ છીએ. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં વિશ્વ વ્યવસ્થામાં વધતા તણાવના કારણે પરિવર્તન વધુ મહત્વપૂર્ણ બન્યું છે. તેમણે કહ્યું કે, આ ચર્ચાઓ નવી વૈશ્વિક વ્યવસ્થાને નિર્ધારિત કરવામાં નિર્ણાયક બની રહેશે. ડૉ. જયશંકરે કહ્યું કે, ૭૭ મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સુધારાની તરફેણના સૌ સાક્ષી છે અને ખરો પડકાર તેને નક્કર પરિણામોમાં રૂપાંતરિત કરવાનો છે.
આતંકવાદ અંગે તેમણે કહ્યું કે ભલે વિશ્વમાં આતંકવાદ સામે એકતા સધાઈ છે પરંતુ ગુનેગારોને રક્ષણ આપવા માટે બહુપક્ષીય મંચોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના બહુપક્ષીયવાદના આહ્વાનને સમર્થન આપતા ડૉ. જયશંકરે કહ્યું કે લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયા અને નાના ટાપુ દેશોનું સુરક્ષા પરિષદમાં સતત પ્રતિનિધિત્વ હોવું જોઈએ.