અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ બંદરો પર ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળ બંદર પર ૧ નંબરનું સિગ્નલ લગાવાયુંછે. હવામાન વિભાગની આગાહી બાદ અહીં એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે જ ભરૂચના દહેજ બંદર પર અને અમરેલીના જાફરાબાદ બંદર પર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
તંત્ર દ્વારા દરિયામાં માછીમારી કરતા માછીમારોને સાવચેત રહેવા સૂચન કરાયું છે. ગઈકાલે તાલાળા ગીરના આસપાસના વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. આજે પણ દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.