બોલિવૂડ ફિલ્મ પઠાણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના એક નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે. કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં ગુરુવારે ( ૧૫ ડિસેમ્બર ) આપેલા તેમના નિવેદન પર વિવાદ શરૂ થયો છે. અમિતાભે કહ્યું હતું કે દેશને આઝાદી મળ્યાને ઘણાં વર્ષો થઈ ગયાં છે, પરંતુ આજે પણ નાગરિકની સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્ર્ય પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
કાર્યક્રમમાં હાજર પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અમિતાભની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમિતાભે એવી વાત કહી, જે કોઈ કહી શકે નહીં. અહીં ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું હતું કે અમિતાભના શબ્દો બંગાળ સિવાય અન્ય કોઈ જગ્યા માટે વધુ સચોટ હોઈ શકે નહીં, કારણ કે તેમણે એવી જગ્યાએ સ્વતંત્રતાની વાત કરી છે, જ્યાં ચૂંટણી પછી સૌથી વધુ લોહિયાળ હિંસા થઈ હતી.
અમિતાભે કહ્યું હતું કે અમે દર્શકોને હળવાશથી ન લઈ શકીએ. દર્શકો પાસે દરેક પ્રકારના કન્ટેન્ટ હોય છે. તેઓ એને ક્યાં જોવા માગે છે એ તેમની ઈચ્છા હોય છે. અમિતાભે આ વાત ત્યારે કરી જ્યારે શાહરુખ ખાનની ફિલ્મ પઠાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ૨૮ મા એડિશનના ઉદઘાટન પ્રસંગે બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ પહોંચ્યાં હતાં. મમતાએ અમિતાભ બચ્ચનને ભારત રત્ન આપવાની માગ કરી છે. તેમણે કહ્યું- ભારતીય સિનેમામાં લાંબા યોગદાન માટે બંગાળ અમિતાભને ભારત રત્ન આપવાની માગ કરશે. અને ભાજપ પર નિશાન સાધ્યું છે. મમતાએ કહ્યું – બંગાળ માનવતા, એકતા, વિવિધતા અને એકીકરણ માટે લડે છે. બંગાળ કોઈ સામે નમતું નથી અને ભીખ પણ માગતું નથી. માનવતા માટે અનેકતામાં એકતા માટે બંગાળ હંમેશાં સાહસ સાથે લડે છે. આ લડાઈ આગળ પણ શરૂ રહેશે.