પશ્ચિમ રેલવેએ નાતાલ પર્વ પ્રસંગે ૨૨ થી ૩૦ મી ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએથી ચાર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદથી કરમાળી માટેની ખાસ ટ્રેન ૨૦ મી અને ૨૭ મી ડિસેમ્બરે સવારે સાડા નવ વાગે અમદાવાદથી ઉપડશે, જે બીજા દિવસે પાંચ વાગે કરમાળી – ગોવા પહોંચશે.
એવી જ રીતે કરમાળીથી ૨૧ અને ૨૮ મી ડિસેમ્બરે સવારે ૦૯:૨૦ ચાલનારી ટ્રેન બીજાદિવસે ૦૭:૦૦ વાગે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રાજ્યમાં નડિયાદ, આણંદ, વડોદરા, સુરત અનેવાપી સ્ટેશને ઉભી રહેશે.એવી જ રીતે ઉધનાથી મેંગલુરુ માટેની ટ્રેન ૨૧, ૨૫ અને ૨૮ મી ડિસેમ્બરે તથા પહેલી જાન્યુઆરીએ ઉધનાથી રાતના ૦૮:૦૦ વાગે ઉપડશે, જે બીજા દિવસે સાડા છ વાગે મેંગલુરુ પહોંચશે.
આ ટ્રેન રાજ્યમાં વલસાડ અને વાપી સ્ટેશને ઉભી રહેશે. એવી જ રીતે બાંદ્રાથી ઓખા વચ્ચેની ટ્રેન ઓખાથી ૨૦ અને ૨૭ મી ડિસેમ્બરે મંગળવારે સવારે સાડા આઠ વાગે ઉપડીને બીજા દિવસે પરોઢીયે પોણા પાંચ વાગે બાંદ્રા પહોંચશે. આટ્રેન રાજ્યમાં વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.
આ ઉપરાંત ભાવનગરથી બાંદ્રા સુધીની ખાસ ટ્રેન ૨૨ અને ૨૯ મી ડિસેમ્બરે ચાલશે, જે ભાવનગરથી બપોરે ૦૨:૫૦ ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૬:૦૦ બાંદ્રા પહોંચશે. આ તમામ ટ્રેનોનું બુકિંગ ગઈકાલથી શરૂ થયું છે. આ અંગેની વધુ માહિતી ઈન્ડિયનરેલ ડોટ જીઓવી ડોટ ઈન પર મળી શકશે.