આજે ૧૫ મી વિધાનસભાનું એક દિવસીય ટૂંકુ સત્ર મળવાનું છે. વિધાનસભાના એક દિવસીય ટૂંકા સત્રની શરૂઆત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી સહિતના કામકાજ સાથે સરકાર સત્તાવાર કામગીરી શરૂ કરશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરી, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારબાદ બીજી બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આભાર સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત થશે.
૧૫ મી વિધાનસભાના એક દિવસીય સત્રમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે બિલ રજૂ કરવામાં આવશે. આ બિલ આજે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવશે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામને આ બિલ લાગુ પડશે. આ બિલ ૧૭ ઓક્ટોબર, ૨૦૨૨ ના દિવસથી રાજ્યભરમાં અમલી બનાવાયુ છે.
આ વિધેયક અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિકાસ વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવામાં આવશે. જે બાંધકામોની બી.યુ. પરમિશન નથી અથવા જે બાંધકામને તોડી પાડવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી છે તેવા બાંધકામ આ બિલ હેઠળ નિયમિત થઈ શકશે.