કતારમાં રમાયેલ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ ની ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિનાની ટીમ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. લીઓનેલ મેસ્સીની ટીમે ફાઈનલ મેચમાં ફ્રાંસને હરાવ્યું હતું. મેચના અંતમાં બંને ટીમો વચ્ચેની ફાઇનલ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો હતો અને મેસ્સીની ટીમે ૪ – ૩ થી ટાઇટલ મેચ જીતી લીધી હતી.અત્યાર સુધી કુલ ૩ વખત આર્જેન્ટીનાએ વિશ્વકપ જીત્યો છે. ફ્રાન્સ સતત વિશ્વકપ જીતનો ઇતિહાસ ન દોહરાવી શકી.અગાઉ ૨૦૦૬ માં પણ ફાઇનલમાં પેન્લટી શૂટઆઉટમાં ફ્રાન્સ હાર્યું હતું. રોમાંચક મુકાબલા સાથે ફિફા વિશ્વકપની આ વર્ષે પૂર્ણાહુતિ થઈ છે. અત્યાર સુધી વિશ્વકપની ફાઇનલમાં ૩ વખત પેન્લટી શૂટઆઉટની સ્થિતિ આવી છે.
આ વર્લ્ડ કપની જીત સાથે લીઓનેલ મેસ્સીનું તે સપનું પણ પૂરું થયું જે તેણે ૧૬ વર્ષ પહેલા ૨૦૦૬ માં તેના પ્રથમ વર્લ્ડ કપ દરમિયાન જોયું હતું. જણાવી દઈએ કે મેસ્સીનો આ ૫ મો વર્લ્ડ કપ હતો અને આ સિવાય વર્ષ ૨૦૨૧ માં બ્રાઝિલને હરાવીને કોપા અમેરિકા જીત્યા પછીની તેની આ બીજી મોટી સિદ્ધિ હતી.
ફિફા વર્લ્ડ કપ પૂરો થયો એ પછીથી એવી અટકળો લાગવા લાગી હતી કે મેસ્સી વર્લ્ડ કપ પછી નિવૃત્તિ જાહેર કરશે.
૩૫ વર્ષીય લીઓનેલ મેસ્સી માટે આ છેલ્લો વર્લ્ડ કપ હતો પણ તે વર્લ્ડ ચેમ્પિયન તરીકે રમવાનું ચાલુ રાખશે કે કેમ તે અંગે ઘણી અટકળો ચાલી રહી હતી પણ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકવા માટે મેસ્સીએ પોતે એક નિવેદન આપ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર ફાઈનલ મેચ બાદ મેસ્સીએ સ્પષ્ટ કર્યું હતું કે તે આર્જેન્ટિના માટે વર્લ્ડ ચેમ્પિયન તરીકે રમવાનું ચાલુ રાખશે. જો કે આ નિવેદન પછી લોકો કહી રહ્યા છે કે કદાચ મેસ્સીએ નિવૃત્તિ અંગેનો પોતાનો વિચાર બદલી નાખ્યો છે.