આજે શિયાળુ સત્રમાં સંસદના બંને ગૃહમાં મહત્વના બિલ રજૂ કરવામાં આવશે. લોકસભામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નશીલા પદાર્થના દુરુઉપયોગની સમસ્યા વિશે અને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં પર નિયમ ૧૯૩ હેઠળ ચર્ચા પર જવાબ આપશે.
ગઈકાલે લોકસભામાં થયેલી આ ચર્ચામાં વિવિધ પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો. ઉપરાંત, આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા બંધારણના અનુસૂચિત જનજાતિ આદેશ બિલ ૨૦૨૨ ની ચર્ચા કરીને પસાર કરવાનો પ્રસ્તાવ મૂકશે. તે ઉપરાંત કાયદામંત્રી કિરન રિજ્જુ ગૃહમાં રિપીલિંગ એન્ડ એમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૨ પર ચર્ચા કરવા અને પસાર કરવાનો ગૃહમાં પ્રસ્તાવ મૂકશે.
બીજી બાજુ રાજયસભામાં નાણામંત્રી નિર્મંલા સીતારામણ વિનિયોગ બિલ નંબર ચાર અને પાંચ પર પણ ચર્ચાનો જવાબ આપશે. તો, વિદેશમંત્રી એસ જયશંકર જળ પ્રદૂષણ વિરોધી બિલ ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરશે. તો ગઈકાલે બંને ગૃહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિષે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કરેલી ટિપ્પણીને મુદ્દે સંસદના બંન્ને ગૃહોમાં હોબાળો થયો હતો. સત્તાધારી પક્ષ ભાજપે રાજ્ય સભામાં ખડગે માફી માંગે તેવી માગણી કરી હતી.