ભારતે અફઘાનિસ્તાનમાં મહિલાઓના શિક્ષણ અને માનવઅધિકારના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાન પર ભારતનું વલણ રજૂ કર્યું હતું. રુચિરા કંબોજે UNSC ને જણાવ્યું હતું કે તાલિબાન અને અલ-કાયદા વચ્ચે ગાઢ સંબંધો ચાલુ છે. જે મુશ્કેલી પેદા કરી શકે છે.
બીજી તરફ અફઘાનિસ્તાનમાં, તાલિબાન સરકારે મહિલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધ આગામી આદેશો સુધી ચાલુ રહેશે.
દેશના શિક્ષણ વિભાગના પ્રવક્તાએ આ માહિતીની પુષ્ટિ કરી છે. કેબિનેટના નિર્ણય બાદ તરત જ શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આ સૂચનાનો અમલ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીઓ સહિત તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને આ પગલાં વિશે મંત્રાલયને જાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્રણ મહિના પહેલા, સમગ્ર અફઘાનિસ્તાનમાં હજારો છોકરીઓ અને મહિલાઓએ યુનિવર્સિટીઓમાં આયોજિત પ્રવેશ પરીક્ષા માટે હાજરી આપી હતી.