ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના છે. આ તરફ હવે કોરોનાને લઇ અમદાવાદના લોકોમાં ભય જોવા મળ્યો છે. ચીન અને અમેરિકાની સ્થિતિ જોતાં લોકો વેક્સિન લેવા પહોંચ્યા છે. આજે અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકો પડાપડી કરી રહ્યા છે. બૂસ્ટર ડોઝ લેવા અંગે આરોગ્ય કર્મચારીએ કહ્યું હતું કે, છેલ્લા ૨ દિવસથી લોકો બૂસ્ટર ડોઝ લેવા આવી રહ્યા છે. આ સાથે એક નાગરિકે જણાવ્યું હતું કે, ચીનની સ્થિતિ જોતાં બૂસ્ટર ડોઝ જરૂરી. મહત્વનું છે કે, હાલ અમદાવાદ શહેરના ૮૨ અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશનની કામગરી ચાલુ છે. જેથી તમામ લોકોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન મળશે.
ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના છે. તેને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું હતું. ત્યારે ચીનમાં વધતા જતા કેસોને પગલે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે.
રાજકોટમાં કોરોનાના ફરી બે કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. રાજકોટમાં બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના કારણે મનપા તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટ મનપાએ સરકાર પાસે કોવિશિલ્ડની વેક્સિન માંગી છે. શહેરમાં કોવેક્સિનના સ્થાને કોવિશિલ્ડના ડોઝ સૌથી વધુ અપાયા છે. લાખો લોકોને પ્રિકોશન ડોઝ બાકી છે ત્યારે મનપા પાસે કોવિશિલ્ડનો જથ્થો ખૂટ્યો છે.
સુરત શહેરમાં કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલને જીનોમ સીકવન્સમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને પણ નવા વેરિયન્ટની સામે તકેદારી રાખવાની અપીલ કરાઈ છે. સુરત પાલિકાના હેલ્થ સેન્ટર પર ફરી કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરાઈ છે. સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ શહેરમાં એક પણ કોરોનાનો કેસ નથી. શહેરમાં ૫૦ લાખમાંથી ૮ લાખ લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. ૪૨ લાખ લોકોને પ્રીકોસન ડોઝ લેવાના બાકી છે. હાલ પ્રીકોસન ડોઝ માટે પણ કોઈ ચાર્જ વસૂલાતો નથી.