વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. આ અંગે સમાચાર મળતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય ( ગાંધીનગર દક્ષિણ ) અલ્પેશ ઠાકોર અમદાવાદના મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. ત્યાર બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા હતા અને સાંજે ૦૪:૦૦ વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે તબીબો પાસેથી માતા હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી. યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું છે.
એક્સપર્ટ ડોક્ટર દ્વારા તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. તેમજ તબીબો દ્વારા હીરાબાના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ તેમને સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરો દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે સ્ટેબલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. અત્યંત લોખંડી બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલના સ્ટાફ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આ બધાની વચ્ચે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આજે નરેન્દ્ર મોદી યુ. એન.મહેતા હોસ્પિટલ આવશે. હવે નવા મેડિકલ બુલેટિનની રાહ જોવામાં આવી રહી છે.