નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ સરકારની ભલામણ મુજબ નવમી જાન્યુઆરીએ સંસદનાં બંને ગૃહોની પ્રથમ બેઠક બોલાવી છે.
સંસદ સચિવાલયે આ અંગેની નોટિસ બહાર પાડીને તમામ સંસદસભ્યોને નિર્ધારિત સમયે બાણેશ્વર સ્થિત સંસદભવન ખાતે હાજર રહેવા વિનંતી કરી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓના ગૃહમાં કાર્યકારી અધ્યક્ષ પશુપતિ શમશેર જે.બી. રાણા અધ્યક્ષની પસંદગી થાય ત્યાં સુધી ગૃહની બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે. નેપાળના બંધારણ અનુસાર પ્રથમ બેઠકના ૧૫ દિવસની અંદર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થવી જોઈએ.
સર્વપક્ષીય બેઠકમાં અધ્યક્ષ અને ઉપાધ્યાની ચૂંટણી ક્યારે યોજવી તે નક્કી કરવામાં આવશે. બંધારણ અનુસાર બન્ને એક જ રાજકીય પક્ષના ન હોવા જોઈએ અને તેમાંથી એક મહિલા હોવી જોઈએ. પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ આ સત્રમાં વિશ્વાસનો મત લેશે.