આજે દેશની પ્રથમ મહિલા કેળવણીકાર સાવિત્રીબાઈ ફુલેની આજે જન્મજયંતિ છે. તેમનો જન્મ ૩ જી જાન્યુઆરી, ૧૮૩૧ ના રોજ મહારાષ્ટ્રના નાનકડા ગામ નાયગાંવમાં થયો હતો. તેમના જીવનને ભારતમાં મહિલા અધિકારોના દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે શિક્ષક માટેની તાલીમ લીધી અને ૧૮૪૭ માં એક લાયક શિક્ષક બની દેશમાં મહિલાઓની સ્થિતિને બદલવાનો નિર્ણય લીધો હતો. સાવિત્રીબાઈએ જ્યોતિરાવ સાથે મળીને ૧૮૪૮ માં પુણેમાં કન્યાઓ માટે શાળા શરૂ કરી હતી. સાવિત્રીબાઈએ મહાત્મા જ્યોતિબા ફૂલે દ્વારા સ્થાપિત સત્યશોધક સમાજને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સાવિત્રીબાઈનું જીવન અને કાર્ય ભારતીય સમાજમાં સામાજિક સુધારણા અને સ્ત્રી સશક્તિકરણનો પુરાવો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે દેશના પહેલા કેળવણીકાર સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતિ પર તેમને અંજલિ આપી છે. એક સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે સાવિત્રીબાઈ ફુલેનું જીવન મહિલાઓને શિક્ષિત અને સશક્તિકરણ માટે સમર્પિત હતું. એક ટ્વિટમાં, શ્રી શાહે જણાવ્યું હતું કે ફુલેએ મહિલા શાળાઓ શરૂ કરીને સમાજને કન્યા શિક્ષણના મહત્વ વિશે જાગૃત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.