મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં ૧૭મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થઇ રહ્યું છે.
ઇન્દોર શહેર ભારતનું સૌથી સ્વચ્છ શહેર હોવાનુંગૌરવ ધરાવે છે. ઇન્દોરમાં ૧૭ મા પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત થઇ ચુકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી આજે સંમેલનનું વિધિવત ઉદઘાટન કરશે. આ પ્રસંગે ગુઆનાના પ્રમુખ ડો. મોહમ્મદ ઇરફાન મુખ્ય અતિથી અને સૂરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી વિશેષ અતિથીપદ સંભાળી રહ્યા છે. આજે એક ટપાલ ટિકિટ `સુરક્ષિત જાઓ, પ્રશિક્ષીત જાઓ ‘ પણ બહાર પડાશે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે પ્રવાસી સ્વતંત્રતા સૈનિકોના યોગદાન પર પહેલી જ વાર એક પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શનનું આયોજન થશે. મંગળવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ સમાપન સત્રનું અધ્યપદ સંભાળશે અને પ્રવાસી ભારતીય સન્માન પ્રદાન કરશે. કોવિડ મહામારીને કારણે દેશમાં ચાર વર્ષ પછી પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થઇ રહ્યું છે.
કોન્ફરન્સમાં ૭૦ દેશોના ૩,૫૦૦ થી વધુ સભ્યો ભાગ લેશે
પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં વિશ્વના વિવિધ ૭૦ દેશોમાંથી ૩,૫૦૦ થી પણ વધુ સભ્યો ‘પ્રવાસીઓ: અમૃત કાલમાં ભારતની પ્રગતિના વિશ્વસનીય ભાગીદારો’ થીમ હેઠળ આયોજિત થનારી ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભાગ લેશે. કોન્ફરન્સના પ્રથમ દિવસે ગયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી, સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી, ઓસ્ટ્રેલિયાના સંસદ સભ્ય જેનેતા મસ્કરેન્હાસ ઉપસ્થિત રહ્યાં હતા.
વિદેશમંત્રી ડૉ.એસ જયશંકરે સોમવાર ઉદ્ઘાટન સંબોધન કરશે. પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે ૯ મી જાન્યુઆરીએ દેશના વિભિન્ન શહેરોમાં ઉજવવામાં આવે છે. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વર્ષ ૨૦૦૨ માં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. આ દિવસ મહાત્મા ગાંધીની ભારત પરત ફરવાની યાદગીરી રૂપે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધી વર્ષ ૧૯૧૫ માં દક્ષિણ આફ્રિકાથી ૯ જાન્યુઆરીએ સ્વદેશ પરત ફર્યા હતા. જો કે પ્રવાસી ભારતીય દિવસ ૨૦૧૫ થી દર બે વર્ષે ઉજવવામાં આવે છે.