થાઈલેન્ડમાં ભારતના રાજદૂત નાગેશ સિંહે ગઈકાલે બેંગકોકના દક્ષિણપૂર્વમાં યુ તાપાઓ નેવલ બેઝ ખાતે ભારતીય વાયુસેનાની ટુકડીનું સ્વાગત કર્યું હતું. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે ટુકડી ૧૨ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન જાપાની એર ડિફેન્સ ટુકડી સાથે એક્સરસાઇઝ વીર ગાર્ડિયનમાં ભાગ લેવા માટે જાપાન જશે.
ભારત અને જાપાન વચ્ચે હવાઈ સંરક્ષણ સહયોગ વધારવા માટે, જાપાનમાં હાયકુરી એરસ્ટ્રીપ ખાતે સંયુક્ત વાયુસેના કવાયત યોજાશે. કવાયત દરમિયાન ભારતીય ટુકડીમાં ચાર Su – ૩૦ MKI એરક્રાફ્ટ, બે C – ૧૭ અને એક IL – ૭૮ એરક્રાફ્ટ હશે. જેમાં જાપાનના ચાર F – ૨ અને ચાર F – ૧૫ એરક્રાફ્ટ ભાગ લેશે.
ગયા વર્ષે ૮ સપ્ટેમ્બરના રોજ ટોક્યોમાં બંને દેશોના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની બીજી બેઠક દરમિયાન, દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા અને વધુને વધુ સૈન્ય અભ્યાસ હાથ ધરવા પર સહમતિ બની હતી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ કવાયત બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો અને સંરક્ષણ સહયોગ વધારવામાં મદદ કરશે.