ભારત ૧ ડિસેમ્બર, ૨૦૨૨થી વૈશ્વિક મહત્વ ધરાવતા સંગઠન જી-૨૦નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે, ત્યારે દેશના લોકો પણ આવા વૈશ્વિક મંચ સુધી પોતાની વાત પહોંચાડી શકે તે માટે કેન્દ્ર સરકારે જી-૨૦માં લોકભાગીદારી સુનિશ્ચિત કરવા દેશવાસીઓ પાસેથી સૂચનો માંગ્યાં છે. આ હેતુથી જી-૨૦ના પ્રમુખ તરીકે ભારતની પ્રાથમિકતાઓ નક્કી કરવા અંગે ઓનલાઈન માધ્યમથી પ્રજાજનો પણ સરકાર દ્વારા નિર્દેશિત ક્ષેત્રોમાં પ્રાથમિકતા આપવા અંગે પોતાના સૂચનો આપી ભાગીદારી નોંધાવી શકે છે. આ પ્રક્રિયાને સહભાગી બનાવવા માટે, વડાપ્રધાન શ્રી મોદીએ નાગરિકોને ભારતની જી-૨૦ પ્રેસિડન્સી દરમિયાન મહત્વની થીમ્સ માટે વિચારો અને સૂચનો શેર કરવા અનુરોધ કર્યો છે.
તાજેતરમાં G20ની વેબસાઈટ, લોગો અને થીમના લોન્ચિંગ સમયે પ્રધાનમંત્રીના આશ્વાસન આપતા શબ્દોમાં સમગ્ર વિશ્વને સંબોધન કરતા કહ્યું હતું કે, “ભારતનું જી-૨૦ પ્રમુખપદ વિશ્વમાં સંકટ અને અરાજકતાના સમયે આવી રહ્યું છે ત્યારે લોગોમાં કમળનું પ્રતીક આવા સમયમાં આશાનું પ્રતિનિધિત્વ કરે છે. સંજોગો ભલે ગમે તેટલા પ્રતિકૂળ હોય, કમળ હજી ખીલે છે. ભલે વિશ્વ ગહન સંકટમાં હોય, આપણે હજી પણ પ્રગતિ કરી શકીએ છીએ અને વિશ્વને વધુ સારી જગ્યા બનાવી શકીએ છીએ.”
પ્રધાનમંત્રીએ લોકો પાસેથી સૂચનો માંગવા અંગેના હેતુઓ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, જેમ જેમ ભારત વિશ્વને સુરક્ષિત, સ્થિર અને ટકાઉ ભવિષ્ય તરફ દોરી જાય છે, તે દરેક ભારતીયની જવાબદારી છે કે વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર સંવાદ અને કાર્યવાહીને પ્રોત્સાહન આપવું અને “વિશ્વને વધુ સારું સ્થાન” બનાવવું જોઈએ. ભારતે વધુ સારી દુનિયાની શોધમાં ચેમ્પિયન થવું જોઈએ. આ માટે ભ્રષ્ટાચાર નાબૂદી, કલા-સંસ્કૃતિ, વિકાસ, ડિજિટલ ઇકોનોમી, આપત્તિનું જોખમ ઘટાડવા, શિક્ષણ, રોજગાર, ઊર્જા સંક્રમણ, ટકાઉ પર્યાવરણ અને આબોહવા, આરોગ્ય, પ્રવાસન, વેપાર અને રોકાણ તથા ફાઇનાન્સ વર્કસ્ટ્રીમ જેવા મુદ્દે સૂચનો નોંધાવી શકાશે. ભ્રષ્ટાચાર નાબૂદી, કલા-સંસ્કૃતિ, વિકાસ, ડિજિટલ ઇકોનોમી, આપત્તિનું જોખમ ઘટાડવા, શિક્ષણ, રોજગાર, ઊર્જા સંક્રમણ, ટકાઉ પર્યાવરણ અને આબોહવા, આરોગ્ય, પ્રવાસન, વેપાર અને રોકાણ તથા ફાઇનાન્સ વર્કસ્ટ્રીમ જેવા મુદ્દે સૂચનો નોંધાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, સૂચન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરાયેલાં કેટલાંક નિયમો અને શરતોનું પાલન કરવું જરૂરી છે. સૂચન આપવા માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. તમામ ભારતીય સહભાગીઓએ એક સરળ નોંધણી ફોર્મ ભરીને પ્લેટફોર્મ https://innovateindia.mygov.in/ પર પોતાની નોંધણી તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં કરાવવી જરૂરી છે.