હજ યાત્રાળુઓ માટે ૨૦૨૩ નું વર્ષ સારા સમાચાર લઈને આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે હજ માટે આવનાર યાત્રાળુઓની સંખ્યા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. તેમજ વયમર્યાદા રહેશે નહીં. સોમવારના રોજ આયોજીત એક કાર્યક્રમ દરમિયાન સરકારે આ માહિતી આપી હતી. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માં કોવિડ – ૧૯ મહામારીને કારણે હજ યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.
મળતી માહિતી અનુસાર, સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રી તૌફીક અલ – રાબિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે હજમાં સામેલ થનારા યાત્રાળુઓની સંખ્યા કોવિડની પહેલા જેટલી જ હશે. મંત્રાલયે ટ્વિટ કર્યું હતું, ‘હજ એક્સ્પો ૨૦૨૩ ના ઉદઘાટન સમયે મંત્રી ડૉક્ટર તૌફીક અલ રાબિયાએ જાહેરાત કરી હતી કે ૧૪૪૪ Hમાં હજ યાત્રાળુઓની સંખ્યા કોઈપણ વયમર્યાદા વગર કોરોના વાયરસ પહેલા જે સ્થિતિ હતી તેવી હશે’.
આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૯ માં ૨૫ લાખ લોકોએ હજમાં ભાગ લીધો હતો. આ અગાઉ ૫ જાન્યુઆરીના રોજ મંત્રાલયે જાહેરાત કરી હતી કે દેશમાં રહેતા જે લોકો હજ કરવા માંગે છે તેઓ અરજી કરી શકે છે. સરકારે કહ્યું હતું કે સ્થાનિક લોકો માટે ૪ હજારના હજ પેકેજ ઉપલબ્ધ હશે. તે દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે અરજી કરનારાઓ પાસે રાષ્ટ્રીય અથવા સ્થાનિક ઓળખ કાર્ડ હોવું જોઈએ. ઉપરાંત, સરકારે કહ્યું હતું કે યાત્રાળુઓને કોવિડ – ૧૯ અને સીઝનલ ઈન્ફલુએન્ઝા સામે રસી અપાવવી જરૂરી છે. તેમને યાત્રા દરમિયાન રસીકરણનો પુરાવો પણ સાથે રાખવાનું કહેવામાં આવ્યું હતું.