રાજ્યમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે: મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર તબક્કાવાર અનેક પગલાઓ ભરી રહી છે ત્યારે આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૫૬ નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે ૫૦,૦૦૦ રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

મંત્રીએ આ સંદર્ભે વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં ૧૭ અને ૬ ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં ૮૮ મળીને કુલ ૧૦૫ કેટલ પોન્ડ્સ  કાર્યરત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ખસીકરણની કામગીરી નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં ૧ પશુચિકિત્સા અધિકારી, ૨ પશુધન નિરિક્ષક અને ૨ હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત, ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *