૨૬ મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ આજથી ૧૬ જાન્યુઆરી દરમિયાન કર્ણાટકના હુબલી, ધારવાડનાં જોડિયાં શહેરોમાં યોજાશે. નવી દિલ્હીમાં યુવા બાબતોઅને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે આ વર્ષના યુવા મહોત્સવની વિષયવસ્તુ ‘વિકાસિત યુવા, વિકાસિત ભારત’ છે. તેમણે માહિતી આપીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના દિવસે રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે.
આ કાર્યક્રમમાં દેશભરમાંથી સાડા સાત હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ઉત્સવમાં સાંસ્કૃતિક પાસાંઓ અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને આવરી લેતા અન્ય સંખ્યાબંધ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, યુવાનોને સાંસ્કૃતિક પ્રતિભા અને આકાંક્ષાઓની અભિવ્યક્તિ માટે તક મળશે.