મહારાષ્ટ્રના નાસિક – શિરડી રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં ૧૦ લોકોના મોત થયા છે. નાસિક પોલીસે આ અકસ્માતની જાણકારી આપતા કહ્યું કે, આ મૃતકોમાં ૬ મહિલાઓ, ૨ પુરૂષો અને ૨ બાળકો સામેલ છે. પોલીસે જણાવ્યું કે ૧૫ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
નાસિક-શિરડી રાજમાર્ગ પર પથારા નજીક સાઈ બાબાના ભક્તોને લઈને જતી એક બસ ટ્રક સાથે ટકરાઈ હતી. જેમાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પ્રધાનમંત્રીએ મૃતકોના કુટુંબીજનોને રૂપિયા બે – બે લાખના વળતળ આપવાની જાહેરાત કરી હતી. ઘાયલોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે સવારે આ બસના અકસ્માત અંગે ઊંડા શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશાસનને મૃતકોના પરિવારજનોને પાંચ – પાંચ લાખ રૂપિયા ચૂકવવા અને ઈજાગ્રસ્તોની સારવાર સરકારી ખર્ચે કરવાનો આદેશ આપ્યો છે. અને વધુમાં ઘાયલ મુસાફરોને તાત્કાલિક શિરડી, નાસિકમાં ખસેડવામાં આવે અને તેમની પર યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે અને અકસ્માતનું કારણ શું હતું તેની તપાસના આદેશો આપ્યા.