શ્રુતજ્ઞાનના આ ભગીરથ મહોત્સવના માધ્યમથી દેશભરના લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવશે
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે પદ્મભૂષણ વિભૂષિત જૈનાચાર્ય શ્રી રત્નસુંદર સૂરીશ્વર મહારાજના ૪૦૦ માં પુસ્તકનું “સ્પર્શ મહોત્સવ”ના પ્રારંભે વિમોચન કરવામાં આવ્યું હતું.
૧૫ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી ચાલનારા આઠ દિવસય “સ્પર્શ મહોત્સવ”ના શુભારંભ પ્રસંગે અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં આઠ દિવસ સુધી યુવાઓ અને સમાજ જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે.
અમિત શાહે કહ્યું હતું કે શ્રુતજ્ઞાનના આ ભગીરથ મહોત્સવના માધ્યમથી દેશભરના લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવશે. તેમજ ભારતભરમાંથી ૧૨ હજારથી વધુ યુવાનો આ મહોત્સવમાં જોડાઈને સંસ્કૃતિ રક્ષણ અને વ્યસન મુક્તિની પણ પ્રેરણા લેશે. તેઓએ ૧ હજાર કરતાં વધુ સાધુ સાધ્વીઓ, ભગવંતો તથા જૈનોના શ્રદ્ધાના કેન્દ્ર એવા ગિરનાર તીર્થના દર્શન કરી ધન્યતા વ્યક્ત કરી હતી.
જૈનાચાર્યશ્રી રત્નસુંદર સુરીશ્વર મહારાજ દ્વારા લિખીત આ ૪૦૦ મું પુસ્તક રજૂ થઈ રહ્યું છે. મહારાજ સાહેબે આ અગાઉ અસંખ્ય પુસ્તકોના માધ્યમથી સમાજને નવું દિશાદર્શન અને યુવાનોને રાહ ચીંધ્યો છે.