પાકિસ્તાનની શાન આવી ઠેકાણે, UAEને કરી આ વિનંતી

અત્યંત કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને ભારતની યાદ આવી છે. તેણે ભારત સાથે વાતચીત કરવા માટે UAEના રાષ્ટ્રપતિને અપીલ કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગયા અઠવાડિયે સંયુક્ત આરબ અમીરાત  (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને વિનંતી કરી હતી કે, તેઓ ભારતને પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે તૈયાર કરે.

પાકિસ્તાનના PMએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને કહ્યું હતું કે તમારા ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘણા સારા સંબંધો છે અને તમે અમારા મુસ્લિમ ભાઈ છો, તેથી ભારતને અમારી સાથે વાતચીત કરવા માટે તૈયાર કરો.

મંગળવારે UAEની એક ન્યૂઝ ચેનલ દ્વારા શાહબાઝ શરીફનો ઈન્ટરવ્યૂ ટેલિકાસ્ટ કરાયો હતો. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાને ખુદ મોદી અને ભારત સાથે વાતચીત માટે પોતાની આતુરતાની વાત સ્વીકારી છે.

શાહબાઝ ગયા અઠવાડિયે જિનેવાથી પરત ફરતી વખતે UAE ગયા હતા. ત્યાંથી તેમને પૂર રાહત માટે 1 અબજ ડોલરની લોન પણ મળી. બાદમાં તેમણે અહીં આ ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. ઈન્ટરવ્યૂમાં એક સવાલ પર પાકિસ્તાનના વઝીર-એ-આઝમ કહે છે- મેં શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન પાસે મદદ માગી છે. મેં તેમને ભારતને વાતચીત માટે તૈયાર કરવા કહ્યું છે. UAE ભારત સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે. જો તે ઈચ્છે તો વડાપ્રધાન મોદી અને ભારતને વાતચીત માટે તૈયાર કરી શકે છે.

પાકિસ્તાન હવે શાંતિ ઈચ્છે છે અને આ માટે ગંભીરતાથી વાતચીત કરવી જરૂરી છે. મેં રાષ્ટ્રપતિ જાયદને વચન પણ આપ્યું છે કે પાકિસ્તાન હવે સંપૂર્ણ ઇમાનદારી સાથે અને પરિણામ મેળવવા વાતચીત કરવા ઇચ્છે છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાને ભલે કોઈ વચન કે અપીલ કરી હોય, પરંતુ UAEએ શરીફની વાતને ગંભીરતાથી લીધી નથી. તેના દાખલા કે પુરાવાઓ પણ સામે આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *