ગાંધીનગર ખાતે બી – ૨૦ એટલે કે બીઝનેસ – ૨૦ ઈન્સેપ્શન બેઠકનું આજે વિધીવત ઉદઘાટન થશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત દેશ – વિદેશના વેપાર ક્ષેત્રના અગ્રણીઓ બી – ૨૦ ના આજે યોજાનાર ઔપચારીક ઉદઘાટનમાં ભાગ લેશે. આજે સાંજે ૦૬:૦૦ વાગ્યાથી ગુજરાતમાં રહેલી તકો અંગો પૂર્ણકદનું સત્ર યોજાશે. આ સત્રમાં સંલગ્ન ઉદ્યોગ ક્ષેત્રના ૨૫૦ થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં ગુજરાતમાં વેપાર અને રોકાણની તકો અંગે માહિતી અપાશે. રાજ્ય સરકારે બી – ૨૦ બેઠક માટે રાજ્યની મુલાકાતે આવેલા પ્રતિનિધિઓને ગુજરાતની કલા અને સંસ્કૃતિનો પરિચય આપતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે.
આ ઉપરાંત ઈનોવેશન, ડિજીટલ સહયોગ, વેલ્યુ ચેઈન્સનું નિર્માણ જેવા વિવિધ વિષયો ઉપર બી – ૨૦ બેઠકમાં ખાસ પ્લેનરી સત્રો યોજાશે. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટે જણાવ્યું છે કે, બી – ૨૦ બેઠકમાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓએ ગઈકાલે ગાંધીનગરમાં દાંડી કુટીર મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. બી – ૨૦ બેઠકમાં ભાગ લેવા ૨૦૦ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત ૬૦૦ પ્રતિનિધિઓ ગઈકાલે ગાંધીનગર પહોંચ્યા હતા. તેમનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઈકાલે મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેમાનોનું સ્વાગત કરવા રાત્રી ભોજનનું આયોજન કર્યું હતું. નાણાં વિભાગના અગ્ર સચિવ મોના ખંડારે ગઈકાલે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, બી – ૨૦ આવનાર વિશ્વના પ્રતિનિધિઓને ગુજરાતમાં ગ્રીન એનર્જી, આબોહવા પરિવર્તન વિગેરે અંગેના કાર્ય અંગે માહિતીગાર કરાશે.