રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે શાસનની સંવેદનાનો પુન: એક વાર પરિચય કરાવ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ મું અંગદાન થવાની જાણકારી મળતા અંગદાતા પરિવારનો ઋણ સ્વીકાર કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
મંત્રી ઋષિકેશ પટેલ રાત્રે દસ વાગે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ૨૬ વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગદાન પૂર્વેની પ્રાર્થનામાં સહભાગી થયા હતા. અમદાવાદના નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .જ્યાં ૨૪ જાન્યુઆરીના રોજ તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. તેમના પિતા મહેન્દ્રભાઈ ઝાલાએ દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો હતો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની, ફેફસાં, લીવર, હ્રદયનું દાન મેળવવા સફળતા મળી છે.