આજે બોટાદ ખાતે રાજયકક્ષાના 74 માં પ્રજાસત્તાક પર્વની મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાઈ છે. બોટાદના ત્રિકોણી ખોડિયાર મેદાન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ બાદ રાજયપાલ તેમજ મુખ્યમંત્રી ભવ્ય પરેડનું નિરીક્ષણ કરશે. અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ શો પણ યોજાશે.
દેશની આન બાન અને શાન સમા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થઈ. ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ પ્રજાસત્તાક પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સાથે રાજ્ય સરકારના મંત્રીઓએ અલગ અલગ શહેરમાં ધ્વજવંદન કરાવી પરેડની સલામી ઝીલી હતી. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હાજરી આપી હતી. રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ધ્વજવંદન કર્યું હતું. તો વડોદરાના કરજણમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. સુરતમાં નાણામંત્રી કનુ દેસાઈએ ધ્વજવંદન કર્યું હતું. તો અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટસ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા. શહેર પોલીસના જવાનોએ પરેડ કરી હતી.