રાજ્યનું હવામાન ખાતું જણાવે છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. જ્યારે ૨૮ મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં હાલ શીતલહેર પ્રવર્તી રહી છે. કચ્છનું નલિયા ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર રહ્યું. જ્યારે ગાંધીનગર અને ભૂજ, કંડલા એરપોર્ટમાં આઠ ડિગ્રી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ડીસામાં ૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી યથાવત રહેશે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને પાટણમાં વરસાદ પડે તેવી સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવ રહેવાની સંભાવના છે. ૨૮ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ ૨૯ જાન્યુઆરીથી ૩ થી ૪ ડિગ્રી તાપમાન ઘટતા ફરી ઠંડીમાં વધારો થશે. તો આગામી ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં કોલ્ડવેવની આગાહી છે. લધુત્તમ તાપમાનની આંકડાકીય માહિતી જોઇએ તો નલિયામાં ૫.૮, રાજકોટમાં ૮.૭, પોરબંદરમાં ૯, ડીસામાં ૯.૧, ગાંધીનગરમાં ૯.૨, સુરેન્દ્રનગરમાં ૯.૯ અને અમદાવાદમાં ૧૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.