ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં શનિવારે રેકોર્ડ બ્રેક વરસાદને કારણે બે લોકોના મોત થયા છે, અને અન્ય બે લોકો લાપતા છે. અધિકારીઓએ ઓકલેન્ડ પ્રદેશ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી અને દેશના નવા વડાપ્રધાન ક્રિસ હિપકિંસે લશ્કરી વિમાન દ્વારા પરિસ્થિતિનો તાગ મળવ્યો હતો. હિપકિંસે જણાવ્યું હતું કે, વરસાદની શહેરને ઝડપથી અસર થઈ હતી. તેણે ઓકલેન્ડવાસીઓને વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવાની સલાહ આપી છે. આ પહેલા એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવ્યા બાદ અને ટર્મિનલના કેટલાક ભાગોમાં પાણી ભરાઇ જતાં સેંકડો લોકો રાત સુધી ઓકલેન્ડ એરપોર્ટ પર ફસાયા હતા.
ઓકલેન્ડ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાનો કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ પુરની પરિસ્થિતિને કારણે લોકોને રાહત અને બચાવની કામગીરી પણ પુરજોશમાં ચલાવાઈ રહી છે. અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યો છે. જો હવામાન સારુ રહેશે તો એક બે દિવસોમાં પરિસ્થતિ સારી થઈ જવાની સંભાવનાઓ સેવવામાં આવી રહી છે.