અદાણી ગ્રુપે તેનો FPO રદ કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે રાતે અદાણી ગ્રુપની બોર્ડ ઓફ મીટિંગની બેઠક યોજાઈ હતી અને તેમાં FPO રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. અદાણી એન્ટરપ્રાઈસિસ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે બજારમાં વધ-ઘટને ધ્યાનમાં રાખીને કંપનીના બોર્ડે FPO રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે શેરબજારમાં હલચલ અને માર્કેટમાં વોલેટિલિટીને જોતા કંપનીનું લક્ષ્ય તેના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે. તેથી અમે એફપીઓ પાસેથી મળેલા નાણાં પરત રોકાણકારોને પાછા આપવા જઈ રહ્યા છીએ અને તેનાથી સંબંધિત વ્યવહાર સમાપ્ત કરીશું.
બુધવારે ઈન્ટ્રાડે કારોબારમાં અદાણી એન્ટરપ્રાઈસિસના શેરમાં લગભગ ૩૫ % નો ઘટાડો નોંધાયો હતો. બુધવારે શરૂઆતી કારોબારમાં બીએસઈ પર અદાણી એન્ટરપ્રાઈઝનો શેર ૩,૦૩૦ રૂપિયા પર ખુલ્યો હતો. આ પછી ડે ટ્રેડિંગમાં આ શેર ઘટીને ૧૯૪૨ રૂપિયા પર આવી ગયો હતો. એટલે કે, તે દિવસના ઉચ્ચતમ સ્તરથી લગભગ ૧૦૦૮ રૂપિયા અથવા ૩૫ % ઘટ્યો હતો.