અમરેલીના મીતીયાળામાં સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આજે સવારે ૪ મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. જેમાં પહેલો આંચકો સવારે ૦૭:૫૧ કલાકે, બીજો આંચકો સવારે ૦૭:૫૩ કલાકે અને ત્રીજો આંચકો સવારે ૦૭:૫૫ કલાકે અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી ૪૩ કિલોમીટર દૂર નોંધાયું છે. સતત ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી છે.
આજે સવારે મીતીયાળા અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારની ફરી એકવાર ધરા ધ્રુજી હતી. સવારના ૦૭:૫૨, ૦૭:૫૩ અને ૦૭:૫૫ એમ ૪ મિનિટમાં જ ભૂકંપના ત્રણ વખત આંચકા અનુભવાયા હતા. અહીં ગતરોજ પણ એક જ કલાકમાં ધરતીકંપના ૩ આંચકા અનુભવાયા હતા. ગતરોજ મીતીયાળા, સાકરપરા, ધજડી સાથે ખાંભાના ભાડ, વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ત્રીજા ભૂકંપની ૨.૮ ની તીવ્રતા નોંધાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મીતીયાળા પંથકમાં છેલ્લા દોઢ મહિનાથી સતત ભૂકંપ આવે છે.
બે અઠવાડિયા પહેલા મીતીયાળા ગામે સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ તપાસ માટે પહોંચી હતી. તેમણે મીતીયાળા વાસીઓ સાથે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં ૬૪૦૦ કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે.