રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. પ્રાકૃતિક ખેતી માટે વધુ અસરકારક કામગીરી કરવા અને આ દિશામાં વિચાર-વિમર્શ કરવા રાજ્યપાલ આચાર્યદેવવ્રતે ગઈકાલે રાજભવનમાં ઉચ્ચકક્ષાનીબેઠક બોલાવી હતી. રાજ્યપાલ આચાર્યદેવવ્રતજીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલના નેતૃત્વમાં રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે.
દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી માસિક ૯૦૦ રૂપિયા ની આર્થિક સહાયનો લાભ ૧ લાખ, ૮૪ હજારથી વધુ ખેડૂતો લઈ રહ્યા છે. ૧,૯૬૪ જેટલા પ્રશિક્ષકો અત્યારે ખેડૂતોને તાલીમ આપવાના અભિયાનમાં કામ કરી રહ્યા છે. ગુજરાતમાં ૩ લાખ, ૨૬ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઅપનાવી છે. લગભગ ૪ લાખ એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. ૧૦ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરી, નીતિઆયોગ, નવીદિલ્હીના કૃષિ ક્ષેત્રના વરિષ્ઠ સલાહકાર ડૉ. નીલમ પટેલ અને વરિષ્ઠ તજજ્ઞો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.