ગુજરાત સરકારે જંત્રીના ભાવમાં ૧૦૦ % નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ૧૨ વર્ષ બાદ જંત્રી દરમાં વધારો કર્યો છે અને નવા જંગી દર ૬ ફેબ્રુઆરી ૨૦૨૩, સોમવારથી અમલમાં આવશે. ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૧ થી રાજ્યમાં અમલી જંત્રીના દરમાં વધારો કર્યો હતો.
ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ ૩૨ -કના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો સ્થાવર મિલકતોની બજાર કિંમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવતી હોય છે. રાજ્યમાં છેલ્લે ભાવો ૧૮ એપ્રિલ ૨૦૧૧ માં અમલમાં મુકવામાં આવ્યા હતા. સદર ભાવ છેલ્લા ૧૨ વર્ષથી અમલમાં છે.
ગુજરાત સરકારના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજ્યમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે. રાજ્યના વિકાસને અવિરત વેગ મળતો રહે અને આ વધેલ ભાવો મુજબ નાગરિકોની સ્થાવર મિલકતના બજારભાવ નક્કી થઈ શકે તે માટે જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ ) – ૨૦૧૧ ના ભાવોમાં વધારો કરવો જરૂરી બન્યો છે. રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ મિલકતની બજાર કિંમત નકકી કરવાના નિયમો મુજબ ૧ એપ્રિલ ૨૦૨૨ ની સ્થિતિએ બહાર પાડવાના મિલકતના વાર્ષિક પત્રકના ભાવો બહાર પાડી ન શકાયેલ હોવાથી જંત્રીના ભાવોમાં વધારો કર્યો છે.