એક તરફ પાકિસ્તાની લોકોને ખાવાના ફાંફા છે તો બીજી તરફ નેતા નેતાઓ છાસવારે ભારતને અણુશક્તિનો પાવર દેખાડી રહ્યાં છે.
અઠવાડિયા પહેલા શાંતિની વાતો કરનાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે હવે ભારતને ધમકી આપી છે. રવિવારે પીઓકેમાં બોલતાં શહબાઝે કહ્યું કે ભારત તેમના પરમાણુ સંપન્ન દેશ પર ખરાબ નજર રાખી શકે નહીં કારણ કે અમારી પાસે તેને પગ નીચે કચડી નાખવાની શક્તિ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પાસે પરમાણુ શક્તિ છે અને ભારત અમારી સામે ખરાબ નજરથી જોઈ નહીં શકે જો આવું થશે તો અમે તેને અમારા પગ નીચે કચડી નાખવા સક્ષમ છીએ. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન ભારતને પોતાની પરમાણુ શક્તિ બતાવી રહ્યું છે. અગાઉ પણ ઘણી વખત ઈસ્લામાબાદે આ જ રીતે સરહદ પારના મુદ્દાઓને પ્રોત્સાહન આપ્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેની પરમાણુ શક્તિ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (આઇએઇએ)ના આંતરરાષ્ટ્રીય માપદંડોને પૂર્ણ કરે છે.
શહબાઝે કહ્યું કે તેઓ કાશ્મીરીઓને રાજદ્વારી, રાજકીય અને નૈતિક ટેકો આપવાનું ચાલુ રાખશે. જ્યાં સુધી કાશ્મીરીઓ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ હેઠળ આત્મનિર્ણયના અધિકારને પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી તેમને સમર્થન ચાલુ રહેશે. “પાકિસ્તાન હંમેશા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ જમ્મુ-કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ માટે આગ્રહ રાખે છે. વંશીય ધોરણે પૂર્વ તિમોર, ડાર્ફુર અને વિશ્વના અન્ય વિસ્તારોને સ્વતંત્રતા આપવામાં આવી હતી, પરંતુ જમ્મુ-કાશ્મીર અને પેલેસ્ટાઇનને સમાન આધાર લાગુ પાડવામાં આવ્યો ન હતો.
શહબાઝ શરીફનું એવું પણ કહેવું છે કે બંને પડોશીઓએ બોમ્બ અને દારૂગોળા પર તેના સંસાધનો વેડફી ન નાખવા જોઈએ. ભારત સાથે અમારે ત્રણ યુદ્ધો થયાં છે. ભારતે અમારા લોકો માટે ફક્ત વધુ દુ:ખ, ગરીબી અને બેરોજગારી પેદા કરી છે. પીએમ મોદીને મારો સંદેશ છે કે આપણે મેજ પર બેસીને કાશ્મીર જેવા સળગતા પ્રશ્નોના નિરાકરણ માટે ગંભીર અને પ્રામાણિક મંત્રણા કરીએ.