મેયરપદની ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે હાલ દિલ્હીમાં આમ આદમી પાર્ટી – બીજેપી વચ્ચે ઝઘડાનો નવો એપિસોડ શરૂ થઈ ગયો છે. જણાવી દઈએ કે હવે ભાજપે દિલ્હીની કેજરીવાલ સરકાર પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે. વાત એમ છે કે તપાસ એજન્સી CBI એ દિલ્હી સરકારના ‘ફીડબેક યુનિટ’ પર જાસૂસીનો આરોપ લગાવતા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને અન્ય અધિકારીઓ સામે કેસ દાખલ કરવાની અનુમતિ ઉપરાજ્યપાલ પાસે માંગી છે.
બીજેપી સાંસદ મનોજ તિવારીએ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી છુપાઈને બધી વાતો સાંભળી રહ્યું છે અને દિલ્હીનું ફીડબેક યુનિટ જાસૂસી કરી રહ્યું છે. જો કે બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ આરોપોને ખોટા ગણાવતા કહ્યું કે તમામ આરોપો રાજનીતિથી પ્રેરિત છે.
દિલ્હી સરકારે ૨૦૧૫ માં ફીડ બેક યુનિટ (FBU) ની રચના કરી હતી અને એ પછીથી તેમાં ૨૦ અધિકારીઓ એક સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. હાલ આરોપ છે કે એફબીયુએ ફેબ્રુઆરી ૨૦૧૬ થી સપ્ટેમ્બર ૨૦૧૬ દરમિયાન રાજકીય વિરોધીઓની જાસૂસી કરી હતી અને યુનિટે માત્ર ભાજપ પર જ નહીં પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ પર પણ નજર રાખી હતી. આ સાથે જ એ માટે LG યુનિટ પાસેથી પણ કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. હાલ એવો આરોપ છે કે નક્કી કરેલઆ કામ સિવાય યુનિટે રાજકીય ગુપ્ત માહિતી પણ એકત્રિત કરી હતી.
આ વિશે સીબીઆઈની પ્રાથમિક તપાસમાં પુરાવા મળ્યા છે કે એફબીયુએ રાજકીય ગુપ્ત માહિતી એકત્રિત કરી હતી અને એ બાદ સીબીઆઈએ ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ આ મામલે ગુપ્તચર વિભાગને એક રિપોર્ટ રજૂ કર્યો હતો. હાલ એમને ભ્રષ્ટાચારના કેસમાં મનીષ સિસોદિયા અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધવાની એલજીને માંગ કરી.
બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું કે AAP પ્રાઈવસી પર સીધો હુમલો કરી રહી છે. દિલ્હીનું ફીડબેક યુનિટ ચુપચાપ જાસૂસી કરી કેજરીવાલની સૂચના પર બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ચોર અને ભ્રષ્ટાચારીઓ ગમે તેટલી તપાસ કરાવે પાપીઓના પાપ છુપાય નહીં, તેમને તેમના પાપોની સજા ભોગવવી પડશે.