લોકસભામાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુના સંબોધનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના સંબોધનને દૂરંદેશી ગણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વિશ્વના અન્ય દેશોમાં કોવિડ – ૧૯ રોગચાળા, અસ્થિરતા અને સંઘર્ષો, વધતી જતી મોંઘવારી અને બેરોજગારી દ્વારા ઉભા થયેલા પડકારો છતાં ભારત વિશ્વની ૫ મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. તેમણે કહ્યું, G – ૨૦ નું ભારતનું પ્રમુખપદ દેશ માટે ગર્વની ક્ષણ છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિશ્વ ભારત તરફ મોટી આશા અને સકારાત્મકતાથી જોઈ રહ્યું છે કારણ કે તાજેતરના વર્ષોમાં દેશની વિશ્વસનીયતા સંભાવનાઓ અને તકોમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી હોવા છતાં નિરાશા ફેલાવવા માટે તેમણે વિરોધ પક્ષોની ટીકા કરી હતી.