૩૧/૦૧/૨૦૨૩ એ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩ – ૨૪ માટેનું રૂ. ૮,૪૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. આ ડ્રાફ્ટ બજેટમાં સુધારા-વધારા સૂચવતું આશરે રૂ. ૯,૫૦૦ કરોડનું સુધારિત બજેટ આવતીકાલે સવારે ૧૧:૦૦ વાગ્યે શહેરના ભાજપના શાસકો દ્વારા રજૂ કરાશે, જેમાં વિવિધ પ્રોજેક્ટ ઉપરાંત ખાસ તો રોડની કાયમી સમસ્યામાંથી અમદાવાદીઓને મુક્તિ મળે તેવા પ્રોજેક્ટ પર શાસકો ખાસ ભાર મૂકવાના છે. શહેરમાં વરસાદી પાણી ભરાઈ જવા જેવાં વિવિધ કારણોસર રોડ તૂટી જવાથી દર ચોમાસામાં લોકો મુસીબતમાં મુકાઈ રહ્યા છે, જેનાથી હવે લોકોને ખાસ્સી એવી રાહત મળે તેવી નવી ટેક્નોલોજી આધારિત વધુ ને વધુ રોડ બનાવવાની બાબત પર ભાજપના સત્તાધીશોએ સુધારિત બજેટમાં ભાર મૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના ડ્રાફ્ટ બજેટમાં પણ ચોમાસામાં તૂટી જતા રોડની સમસ્યાના કાયમી નિરાકરણ માટે વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવાના રોડ પ્રોજેક્ટ પર વિશેષ ભાર મુકાયો છે. રોડનું લેવલ ઊંચું ન થાય તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં નવેસરથી વધુ ખોદકામ કરી નવો કોંક્રીટ રોડ બનાવવાની કામગીરી શહેરી વિસ્તારમાં ખૂબ અઘરી હોઈ તંત્રે વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવાની બાબતને મહત્ત્વ આપવા માંડ્યું છે. શહેરમાં અત્યારે ગુરુકુળ સહિત ત્રણ જગ્યાએ વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. હવે આ પદ્ધતિથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા શહેરમાં વધુ ૧૬ રોડ બનાવવાની જાહેરાત ડ્રાફ્ટ બજેટમાં કરાઈ છે. આશરે ૧૫ કિમી લંબાઈના આ રોડને વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવા પાછળ મ્યુનિ. તિજોરીમાંથી રૂ. ૪૫ કરોડ ખર્ચાશે.
ભાજપના સત્તાધીશોએ પણ નાગરિકોને રોડની કાયમી સમસ્યાથી મુક્તિ અપાવવા પોતાના સુધારિત બજેટમાં અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટોની સાથે વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવાની દિશામાં વિશેષ પ્રકારનું આયોજન ઘડી કાઢ્યું છે. અમદાવાદની સુંદરતામાં વધારો કરવા તેમજ દેશ-વિદેશથી અવારનવાર વિભિન્ન કાર્યક્રમો માટે અમદાવાદ આવનારા લોકોમાં શહેરમાં પ્રવેશતાં જ તેની આગવી છબી ઊભી થાય તે માટે મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા ડ્રાફ્ટ બજેટમાં પાંચ જગ્યાએ આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં સ્માર્ટ પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક-વે, સીટિંગ એરેન્જમેન્ટ, સાઇકલ ટ્રેકિંગ, ઈલેક્ટ્રિક વિહિકલની ચાર્જિંગ ફેસિલિટી વગેરે ઉપલબ્ધ કરાશે. ભાજપના શાસકોએ પણ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તેમજ રિંગરોડ સાથે જોડાયેલા મુખ્ય રોડને વિશિષ્ટ આકર્ષણ ઉદ્ભવે તે માટે સિટી પોઇન્ટ તરીકે ડેવલપ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે એટલે શહેરીજનોને વધુ આઇકોનિક રોડની ભેટ શાસકો દ્વારા અપાનાર છે.