૧૨મી ફેબ્રુઆરીએ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પ્રસંગે યોજાશે ભવ્ય ચામરયાત્રા

જગપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ મી થી ૧૬ ફેબ્રુઆરી સુધી માં અંબાના પ્રાગટય સ્થાન ગબ્બર તળેટી ખાતે પ્રકૃતિના સાંનિધ્યમાં દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિના અવસર સમો શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ બી પટેલ અને સભ્યો દ્વારા જગતજનની માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરવામાં આવશે. ૧૨ મી ફેબ્રુઆરીના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આ પવિત્ર ચામર માં અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ ૫૧ શક્તિપીઠો પર ભવ્ય ચામરયાત્રા પણ યોજાશે.

જય ભોલે ગ્રૃપ અમદાવાદના ફાઉન્ડર દીપેશભાઈ અને સભ્યો દ્વારા તાજેતરમાં આદ્યશક્તિ માં અંબાને સુવર્ણ પાદુકા અર્પણ કરવામાં આવી હતી. તે પ્રસંગે તેમને ચામરમાં રસ પડ્યો હતો અને માં અંબાને ચામર ચડાવવાનો મનોરથ કર્યો હતો. જે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે ૧૨ મી ફેબ્રુઆરીએ કલેક્ટર આનંદ પટેલ અને જય ભોલે ગ્રૃપ અમદાવાદ દ્વારા માં અંબાને ભક્તિ ભાવપૂર્વક ચામર અર્પણ કરવામાં આવશે.

શિવમહાપુરાણમાં વર્ણિત કથા મુજબ સતિ માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતિક રૂપ ચામર અર્પણ કરી હતી. માં જગદંબાની વિશેષ કૃપા અને શ્રી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના સહયોગથી જય ભોલે ગ્રૃપ અમદાવાદ દ્વારા માતાજીની ચામર અંગે એક રીસર્ચની શરૂઆત થઈ હતી. જેમાં જાણવા મળેલ કે શાસ્ત્રોમાં જણાવ્યા અનુંસાર સફેદ ચમરી ગાયની પૂંછડીના વાળમાંથી ચામર બને છે અને ચમરી ગાયનો વસવાટ અને ઉત્પતિ હિમાલય પર્વત ઉપર અરુણાચાલ પ્રદેશ અને લેહ લદાખના ચાઈના બોર્ડરના વિસ્તારમાં જોવા મળે છે.

જેથી જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ અને તેમના સાથી મિત્રો લેહથી ૨૦૦ કિ.મી. દૂર સોમોરીરીથી આગળ એક જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા જાણવા મળેલ કે આવી ૪૫,૦૦૦ ગાયો છે. તેમાંથી ફક્ત ૮ ગાય સફેદ છે. સફેદ ગાયમાં પણ જે નર નથી અને માદા પણ નથી એવી ગાયના પૂંછડામાંથી બનાવેલી ચામર માતાજીને ચડાવાય છે અને આવી ફક્ત ૨ ગાયો જ મળવાપાત્ર છે ત્યારે દીપેશભાઈ અને તેમના મિત્રોની મુંઝવણ વધી ગઈ પરંતુ માં અંબાના આશીર્વાદ અને તેમના મક્કમ નિર્ધારથી તેમનો મનોરથ પૂર્ણ થયો હતો અને હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળ પુરા માન અને સન્માન સાથે લાવ્યા હતા. ત્યારબાદ અગ્નિપુરાણમાં વર્ણવેલ છે તે મુજબ ૮, ૧૬ અને ૩૨ ગાંઠ મારીને આકર્ષક અને પવિત્રતા ધરાવતી ચામર અમદાવાદમાં બનાવવામાં આવી હતી. ૫૧ શક્તિપીઠ ખાતે પ્રથમ વખત આયોજીત થનાર આ અલૈાકિક ચામરયાત્રામાં શ્રધ્ધાળુઓને પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *