ભારતે ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ ૩ NDRFની રેસ્ક્યુ ટીમ સાથે ખાસ રેસ્ક્યુ ડોગ, મેડિકલ ટીમ અને મેડિકલ મદદ મોકલી છે
૬ ફેબ્રુઆરીના વહેલી સવારે આવેલા ભૂકંપને ૪ દિવસ થઈ ગયા હોવા છતાં તુર્કી અને સીરિયામાં મરનારા લોકોનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. હાલના આંકડાં પ્રમાણે ભૂકંપના કારણે મોતનો આંકડો ૨૦,૦૦૦ ને પાર પહોંચી ગયો છે. ચારે બાજુ કાટમાળ, થરથરાવતી ઠંડીના કારણે આ મોતનો આંકડો હજુ વધવાની આશંકા જતાવવામાં આવી રહી છે. હજુ પણ લોકોને રેસક્યુ કરવાનું કામ ચાલુ છે. પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ લોકોના જીવતા રહેવાની આશા ઓછી થઈ રહી છે. ભયાનક ભૂકંપ આવ્યા બાદ તુર્કી અને સીરિયાને મદદ કરવા માટે આખી દુનિયા એકસાથે આવી છે. ભારત સહિત દુનિયાના ૭૦ જેટલા દેશોએ મદદનો હાથ આગળ વધાર્યો છે. ભારતે ઓપરેશન દોસ્ત હેઠળ ૩ NDRFની રેસ્ક્યુ ટીમ સાથે ખાસ રેસ્ક્યુ ડોગ, મેડિકલ ટીમ અને મેડિકલ મદદ મોકલી છે. ભારતીય સેનાએ હતાએ શહેરમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવી છે, જ્યાં સતત ઘાયલ લોકોનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. સાથે NDRFની ટીમ રેસ્ક્યુ ઓપરેશન પણ કરી રહી છે.
પહેલો ભૂકંપનો ઝટકો ૬ ફેબ્રુઆરીના વહેલી સવારે ૦૪:૧૭ વાગ્યે ૭.૮ ની તીવ્રતાનો આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ દક્ષિણ તુર્કીનું ગાઝિયાટેપ હતું. પહેલા ભૂકંપના ઝટકાથી લોકો પોતાને સંભાળે તે પહેલા જ બીજો ઝટકો આવ્યો, જેની તીવ્રતા ૬.૪ ની હતી, જેના પછી ફરીથી ૬.૫ ની તીવ્રતાનો ફરીથી ભૂકંપ આવતા તુર્કી અને સીરિયાના ૧૧ શહેરોમાં તબાહીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે ભૂકંપનો ઝટકો આવતા લોકોને ભાગવાનો સમય મળ્યો ન હતો અને તેના કારણે મોતનો આંકડો વધી રહ્યો છે.