અમદાવાદ મહાનગરપાલિકાના નવ હજાર ૪૮૨ કરોડ રૂપિયાના અંદાજપત્રને આજે સ્થાયી સમિતીએ મંજૂરી આપી છે. આ અંદાજપત્રમાં મહેસૂલી આવકમાં એક હજાર ૮૨ કરોડ રૂપિયાનો વધારો દર્શાયો છે. સ્થાયી સમિતી દ્વારા કરાયેલા મહત્વના ઠરાવો મુજબ, એડવાન્સ પ્રોપર્ટી ટેક્સમાં ટેક્સ ચુકવનારને અગાઉ અપાતા દસ ટકા રિબેટના બદલે ૧૨ % રિબેટ અપાશે. ઓનલાઇન પેમેન્ટ કરનારને ૧ % વધુ રિબેટ મળશે. અમદાવાદ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં સમાવેશ થયેલા સનાથલ, અસલાલી, ગેરતનગર, રણાસણ, નાના ચિલોડા, કઠવાડા સહિતના નવા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્સમાં વળતર અપાશે. સમિતીએ ઘેર ઘેર કચરો ભેગો કરવા પેટે યુઝર્સ ચાર્જ યથાવત રાખ્યો છે.
આ ઉપરાંત મહાનગરપાલિકા કમિશ્વનર દ્વારા સુચવેલા વાહનવેરા દરો પણ યથાવત રખાયા છે. જે મુજબ, ઇલેકટ્રીક વાહનોને વાહન વેરામાં સો ટકા રાહત આપવામાં આવશે. સમિતી દ્વારા મહાનગરપાલિકાના પ્રોપર્ટી ટેક્સમાં હાલના દરોમાં અંશતઃ વધારો કરાયો છે. જે મુજબ, રહેઠાણની મિલ્કતો માટે હાલના ૧૬ % ના બદલે ૨૦ % જ્યારે બિનરહેઠાણની મિલ્કતો પર ૨૮ % ના બદલે ૩૪ % ટેક્સ વસુલાશે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ અને જંત્રીના નવા દરોનો અમલ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સમાં આગામી ૩ વર્ષ માટે ન કરવાનો પણ નિર્ણય લેવાયો છે. શહેરમાં પર્યાવરણની જાળવણી માટે કમિશ્નર દ્વારા સુચવેલા પર્યાવરણ સુધારા દરમાં અંશતઃ ઘટાડો કરાયો છે. આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા શહેરમાં માળખાકીય વિકાસ શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ માટે કેટલીક જોગવાઇ કરાઇ છે.