હાડ થીજવતી ઠંડી વચ્ચે તુર્કીયે અને સીરિયામાં ભૂકંપ પીડિતોને રેસ્ક્યૂ કરવાનું કામ ચાલુ છે. પરંતુ જેમ-જેમ ઈમારતોનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે, તેમ તેમ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ એક દિવસ પહેલા સુધી મૃતકોનો આંકડો જે ૨૨,૦૦૦ પર હતો, તે હવે વધીને ૨૪,૦૦૦ ને પાર કરી ગયો છે. અહીં રેસ્ક્યૂ કામગીરી હજુ યથાવત છે.
રેસ્ક્યૂ ઓપરેશનને આગળ વધારતાની સાથે-સાથે મૃતઆંક પણ સતત વધી રહ્યો છે. કેટલાકર નિષ્ણાતોનું માનવું છે કે ભૂકંપના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા આનાથી ઘણી વધારે હોઈ શકે છે. હાલ ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં હજારો લોકો હોસ્પિટલમાં દાખલ છે. હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે, ૬ ફેબ્રુઆરીની સવારે તુર્કીયેમાં ભૂકંપ આવ્યો હતો.
ભારતે મેડિકલ ટીમની સાથે NDRFની ટીમો પણ તુર્કીયે મોકલી છે, જ્યારે અન્ય દેશોએ મદદ મોકલી છે. વિશ્વ બેંકે તુર્કીયેને ૧.૭૮ અબજ ડોલર આપવાની જાહેરાત કરી છે. તો અમેરિકાએ તુર્કીયે અને સીરિયાની મદદ માટે ૮૫ મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે.
ભારતે ‘ઓપરેશન દોસ્ત’ નામનું મિશન શરૂ કર્યું છે, જેનો હેતુ ભૂકંપથી પ્રભાવિત તુર્કીયેને મદદ પૂરી પાડવાનો છે. બચાવ કામગીરી માટે ભારતે NDRFની ૩ ટીમો તુર્કીયે મોકલી છે. આ સાથે જ ભારતીય સેનાની મેડિકલ ટીમ પણ હાલમાં તુર્કીયેમાં છે. ભારતીય સેનાએ હતાયે શહેરમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.