કચ્છની ધરતી સતત ભૂકંપના હળવા આંચકાથી ધ્રુજતી રહે છે, ત્યારે આજે ફરી કચ્છની ધરા ધ્રુજી ઉઠતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છમાં આજે બપોરે ૦૧:૫૧ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આજે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૭ની માપવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી ૨૫ કિલોમીટર દૂર નોંધાયું છે. મહત્વનું છે કે, ગઈકાલે મોડી રાત્રે સુરતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
સુરતમાં ગઈકાલે મોડી રાત્રે ૩.૮ ની તિવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાત્રે ૦૧:૦૦ વાગ્યે સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાતે ભૂકંપનો આંચકો અનુભવાતા ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
સુરતમાં આવેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા માપવામાં આવી હતી. જ્યારે કેન્દ્રબિંદુ સુરતથી ૨૭ કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું હતું. આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા કચ્છમાં ભૂકંપનો આંચકા અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પર ૩.૦ ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે દુધઈથી ૧૯ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું.
બે અઠવાડિયા પહેલા મીતીયાળા ગામે સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ તપાસ માટે પહોંચી હતી. તેમણે મીતીયાળા વાસીઓ સાથે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં ૬૪૦૦ કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે.