ગુજરાતમાં આગામી દિવસોએ રજૂ થનાર બજેટને લઈ સામાન્ય-મધ્યમ અને નોકરિયાત વર્ગને મોટી આશા છે. સરકારે પ્રવાસી શિક્ષકોના પગાર વધારાને લઈ મોટી કવાયત હાથ ધરાઇ છે. જેથી કદાચ આ બજેટમાં પ્રવાસી શિક્ષકોના પગાર વધારાની જાહેરાત થઈ શકે છે.
રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી થાય નહીં ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોનો પગાર પ્રમાણમાં ઓછો હોવાથી આગામી બજેટ સત્રમાં સરકાર પ્રવાસી શિક્ષકોના પગારમાં વધારો કરે તેવી શક્યતાઓ છે.
ગુજરાતમાં હાલ પ્રાથમિક શાળાઓમાં ૮,૧૧૧ પ્રવાસી શિક્ષક છે. આ સાથે માધ્યમિકમાં ૨,૫૦૦ તો ઉચ્ચતર માધ્યમિકમાં ૧,૬૦૦ પ્રવાસી શિક્ષક છે. વિગતો મુજબ પ્રાથમિક પ્રવાસી શિક્ષકોને રૂ. ૭૫, માધ્યમિકના પ્રવાસી શિક્ષકને રૂ. ૧૭૫ તો ઉચ્ચતર માધ્યમિક પ્રવાસી શિક્ષકને રૂ. ૨૦૦ ચૂકવવામાં આવે છે.
પ્રવાસી શિક્ષકોને મળતું પગારધોરણ ઓછું હોવાથી છેલ્લા કેટલાક સમયથી પ્રવાસી શિક્ષકોના પગારમાં વધારો કરવાની માંગ ઉઠી રહી છે. આ તરફ હવે રાજ્ય સરકારે આગામી બજેટમાં પ્રવાસી શિક્ષકોના પગારમાં વધારો કરવા માટે કવાયત હાથ ધરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.