કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ વખતે મિસિસોગામાં રામ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યારે આ મામલો ધ્યાન પર આવ્યો ત્યારે ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે તેની નિંદા કરી છે. કેનેડાના અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે પગલાં લેવા વિનંતી કરી છે.
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંગળવારે મિસિસોગામાં ભારત વિરોધી લખાણો (Anti-India-Graffiti)ની સાથે રામ મંદિરને બદનામ કરવાની નિંદા કરી. ભારતીય દૂતાવાસે કેનેડાના અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી છે. ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી. આ પહેલીવાર નથી કે કેનેડામાં કોઈ હિન્દુ મંદિરને ભારત વિરોધી સૂત્રો અને તસવીરોથી બદનામ કરવામાં આવ્યું હોય. આ પહેલા જાન્યુઆરીમાં બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિર પર ભારત વિરોધી ચિત્રો દોરવામાં આવ્યા હતા, જેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો.
બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને જણાવ્યું હતું કે, ‘દરેક વ્યક્તિ તેમના પૂજા સ્થાનમાં સલામતી અનુભવવાને પાત્ર છે.’ અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૨ માં કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ‘કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ’ દ્વારા ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.