આદિદેવ મહાદેવની આરાધનાના મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે નેપાળના કાઠમંડુના સુવિખ્યાત પશુપતિનાથ મંદિરમાં પણ વહેલી સવારના ત્રણ વાગ્યાથી મહાપૂજા ચાલી રહી છે. મંદિરના ચારેય દ્વારા ખુલે તે પહેલાં જ શ્રદ્ધાળુઓની પાંચ કિલોમીટર લાંબી લાઇનો લાગી ગઇ હતી. પશુપતિનાથ વિકાસ ટ્રસ્ટના અધિકારીઓએ અમારા કાઠમંડુના સંવાદદાતાને જણાવ્યું કે બપોર સુધીમાં જ પાંચ લાખથી વધુ ભક્તોએ ભોળાનાથનાં દર્શન કર્યાં હતા.
આજે જગન્નાથપુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ પણ પશુપતિનાથની વિશેષ પૂજા કરી હતી, અને મંદિરની સામે જ તૈયાર કરાયેલા આદિ શંકરાચાર્ય મંદિરનું ઉદ્દઘાટન કર્યું હતું. શ્રદ્ધાળુઓની સેવા માટે તબીબી સારવાર શિબિર, પાણીની પરબો અને ભોજન માટે ભંડારાની સુવિધા કરાઇ છે. સમગ્ર પશુપતિનાથ મંદિર પરિસર ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભક્તોની સેવા માટે પાચં હજાર જેટલા સલામતી કર્મીઓ અને 4 હજાર જેટલા સ્વયંસેવકો તહેનાત કરાયા છે. મહાશિવરાત્રી નિમિત્તે કાઠમંડુમાં બ્રહ્માકુમારી અને બીજા સામાજીક સંગઠનો દ્વારા ભગવાન શિવજીના રથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.