ઈઝરાયેલે રવિવારે વહેલી સવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલા કર્યા હતા. હવાઈ હુમલામાં રહેણાંક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો. દમાસ્કસ પોલીસ કમાન્ડના જણાવ્યા અનુસાર હુમલામાં ૧૫ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. દમાસ્કસની આસપાસના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
રાજધાની દમાસ્કસમાં સ્થાનિક સમય મુજબ લગભગ ૧૨:૩૦ ની આસપાસ જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. સીરિયન એરફોર્સ પણ દમાસ્કસની આસપાસના હુમલાઓનો જવાબ આપી રહી છે. બીજી તરફ આ હુમલા અંગે ઈઝરાયેલ તરફથી તાત્કાલિક કોઈ નિવેદન આવ્યું નથી. ઇઝરાયેલ અવારનવાર દમાસ્કસની આસપાસના વિસ્તારોને નિશાન બનાવે છે. તાજેતરમાં જ સીરિયામાં ૬ ફેબ્રુઆરીના રોજ ૭.૮ ની તીવ્રતાના વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ હુમલા બાદ સીરિયાની પ્રજાની હાલત વધુ કફોડી થઈ છે. દમાસ્કસ પર અગાઉનો હુમલો ૨ જાન્યુઆરીએ થયો હતો, જ્યારે સીરિયન સૈન્યએ અહેવાલ આપ્યો હતો કે ઇઝરાયેલી દળોએ સોમવારે વહેલી સવારે સીરિયન રાજધાનીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ મિસાઇલો છોડી હતી, જેમાં બે સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા.